કોરોના શું છે અને હું તેના વિશે શું કરી શકું?

કોરોનાવાયરસ અથવા કોરોના એ એક નાનું સૂક્ષ્મજંતુ (ખુલ્લી આંખે જોવા માટે ખૂબ નાનું) છે જે લોકોમાં બીમારી ફેલાવી શકે છે. કોરોનાથી ફ્લુ જેવા લક્ષણો થાય છે જેમ કે સુકી ઉધરસ, શ્વાસની તકલીફ, તાવ અને શરીરમાં દુખાવો. કોરોના મોટે ભાગે શ્વસનતંત્રને અસર કરે છે. જ્યારે મોટાભાગના ચેપ જોખમી નથી, તે ન્યુમોનિયા (ફેફસાંનું ગંભીર ચેપ) નું કારણ બની શકે છે અને ગંભીર કિસ્સાઓમાં જીવલેણ પણ બની શકે છે.

કોઈને પણ કોરોના થઈ શકે છે. વૃદ્ધ લોકો અને જે લોકો પહેલાથી જ અન્ય બીમારીઓ ધરાવે છે, ઉદાહરણ તરીકે શ્વસન બિમારીઓ, કેન્સર અથવા ડાયાબિટીઝ, તેમને વધુ ગંભીર અસરો થવાનુ જોખમ વધારે છે.

જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ લે છે, તેને ઉધરસ આવે છે અથવા બીજી વ્યક્તિ, સપાટી કે પદાર્થ અથવા ખાધ્યપદાર્થ પર છીંક આવે છે, ત્યારે તેમાંથી નીકળતા ટીપામાંથી કોરોના ફેલાય છે. તે મોં, નાક અને આંખો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. એકવાર શરીરમાં પ્રવેશ્યા પછી, તે વૃદ્ધિ કરવાનું શરૂ કરે છે અને અન્ય વિસ્તારોમાં ફેલાય છે. બિમારીના બાહ્ય સંકેતો દેખાય તે પહેલાં કોરોના 14 દિવસ સુધી શરીરમાં રહી શકે છે. તેથી લોકોને કોરોના હોઈ શકે છે પરન્તુ તેઓ જાણતા નથી, અને વાયરસને અન્ય વ્યક્તિમાં સંક્રમિત કરી શકે છે.

એન્ટીબાયોટીક્સ અથવા ઘરેલું ઉપાયો દ્વારા કોરોનાને મારવું શક્ય નથી. કોરોનાને ફક્ત તેના સંપર્કને ટાળવાથી અને વારંવાર હાથ ધોવાથી જ અટકાવી શકાય છે.

ચેપથી બચવા માટે, તમારા હાથને સાબુ અને પાણીથી ધુવો. ભલે તમારા હાથ દેખીતા ગંદા ન હોય છતાં તેને વારંવાર ધુવો. સાબુથી વહેતા પાણી નીચે ૨૦ સેકન્ડ સુધી આંગળીના નખ નીચે ચોક્કસથી ઘસીને તથા આખા હાથ અને કાંડાને બરાબરથી જોરથી ઘસીને ધુવો. તમારા હાથને સાબુ અને પાણીથી ધોવાથી તમારા હાથ પરના વાયરસ મરી જાય છે. જમવાનું બનાવતા પહેલા, બનાવતી વખતે અને બનાવ્યાપછી, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, જમતા કે ખાતા પહેલાં, બીમાર વ્યક્તિની સંભાળ રાખતી વખતે, પ્રાણીઓની સંભાળ રાખ્યા પછી અથવા પ્રાણીઓના કચરાનો નિકાલ કર્યા પછી, અને તમને ઉધરસ કે છીંક આવે અથવા તમારા નાકને સાફ કર્યા પછી હંમેશાં હાથ ધોવા,

તમારા હાથ ધોયા વિના તમારી આંખો, નાક અને મોંને સ્પર્શ કરશો નહીં. હાથ ઘણા પદાર્થ તથા સપાટીઓને સ્પર્શ કરે છે અને તેને વાયરસ લાગી શકે છે. એક વાર હાથ દૂષિત થઈ ગયા પછી, વાયરસ તમારી આંખો, નાક અથવા મોંમાં જઈ શકે છે. ત્યાંથી, વાયરસ તમારા શરીરમાં પ્રવેશી શકે છે અને તમને બીમાર બનાવી શકે છે.

તાવ અને ઉધરસ અથવા શ્વસનતંત્રને લગતા અન્ય લક્ષણો ધરાવતી કોઈપણ વ્યક્તિની સાથે નજીકથી સંપર્ક ટાળવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ઉધરસ અથવા છીંક આવે, ત્યારે હંમેશા તમારા મોં અને નાકને તમારી વાળલી કોણીથી અથવા ટિશુથી ઢાંકવા. પછી વપરાયેલા ટિશુનો તાત્કાલિક નિકાલ કરવો. જાહેરમાં થૂંકવુ નહીં.

તમારી અને જે વ્યક્તિને ઉધરસ અથવા છીંક આવતી હોય તેની વચ્ચે ઓછામાં ઓછું 1 મીટર (3 ફુટ) અંતર જાળવવું. તાવ અને ઉધરસ હોય એવી કોઈપણ વ્યક્તિ સાથે નિકટનો સંપર્ક ટાળવો.

જો તમારે તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા વ્યક્તિની કાળજી લેવાની જરૂર હોય, તો રક્ષણાત્મક માસ્ક અથવા કાપડનો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં અને ખાસ કરીને હાથની સ્વચ્છતાનુ ધ્યાન રાખવુ

કોરોનાને રોકવા માટે, અન્ય લોકો સાથે શારીરિક સંપર્ક ટાળવો તે સૌથી સલામત છે. કોરોના અને અન્ય વાયરસ હાથ મિલાવીને અને પછી તમારી આંખો, નાક અને મોંને સ્પર્શ કરીને સંક્રમણ થઈ શકે છે. તેથી જ્યારે બીજાને મળતા હો ત્યારે હાથ મિલાવીને, ગળે લગાવીને અથવા ચુંબન કરીને તેમનું અભિવાદન ન કરો. તેના બદલે હાથ હલાવીને અથવા મસ્તક નમાવીને તેમનું અભિવાદન કરો. જો તમને લાગે કે તમારા વિસ્તારમાં કોરોના છે, તો અન્ય લોકો સાથે સંપર્ક ટાળવા માટે ઘરે જ રહો.

જો તમને માથાનો દુખાવો અને થોડી શરદી જેવા હળવા લક્ષણો હોય, તો જ્યાં સુધી તમે સ્વસ્થ ના થઇ જાઓ ત્યાં સુધી ઘરે જ રહો. જો તમને છીંક આવે છે, સુકી ઉધરસ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તાવ છે, તો વહેલી તકે તબીબી સહાય લેશો કારણ કે આ શ્વસન ચેપ અથવા અન્ય ગંભીર સ્થિતિને કારણે હોઈ શકે છે.

ખોટી માન્યતાઓ અને કોરોના વિશેની અફવાઓ ખૂબ ખતરનાક હોઈ શકે છે અને લોકોનો જીવ
પણ લઇ શકે છે. ઉદાહરણ તરીકે, બ્લીચ અથવા આલ્કોહોલ જેવા પદાર્થો પીવાથી કોરોનાને અટકાવવાને બદલે તમને નુકસાન થશે. તમે મિત્રો અથવા નજીકના સંબંધીઓ પાસેથી મેળવેલી માહિતી પણ ખોટી અથવા જોખમી હોઈ શકે છે. ફક્ત તમારા સ્થાનિક આરોગ્ય અધિકારીની સચોટ જાહેર આરોગ્ય સલાહને અનુસરો.

તમે આ સંદેશ ફેલાવીને કોરોના સામે લડવામાં મદદ કરી શકો છો. પ્રાધાન્યમાં વ્હોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.

આ સામગ્રી આરોગ્ય વિષયક માહિતી શ્રવણીય બનાવવા માટેના વૈશ્વિક પ્રોજેક્ટ ઓડિઓપિડિયા દ્વારા પ્રદાન કરવામાં આવી છે. www.audiopedia.org પર વધુ જાણો